Main | Sign Up | Login | RSSThursday, 2024-12-12, 3:27 AM

CRC Kondh

Site menu
Login form
Live Traffic Feed
Statistics
શું મને ફેસબુક પર મળવા માં
Ramesh Patel Crc Kondh

Create Your Badge
Post to socielsite

કાવ્યો-૬ થી ૮

એક જ દે ચિનગારી   (ધોરણ – ૮, કાવ્ય – ૨ડાઉનલોડ કરો 

એક જ દે ચિનગારી,
મહાનલ ! એક જ દે ચિનગારી.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી;
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી;
મહાનલ ! એક જ દે ચિનગારી.
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી;
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી;
મહાનલ ! એક જ દે ચિનગારી.
ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ ! એક જ દે ચિનગારી.
કવિ પરિચય : હરિહર પ્રાણશંકર  ભટ્ટ (ગુજરાતી સાહિત્ય પરિષદ)

કવિ પરિચય : હરિહર પ્રાણશંકર ભટ્ટ (ગુજરાતી પ્રતિભા પરિચય)

તને ઓળખું છું, મા  (ધોરણ – ૮, કાવ્ય – ૪)

તને ઓળખું છું, મા !
સરે અચાનક હોઠેથી બસ, એક વેણ તે,ખમ્મા !
ખમ્મા કહેતાં પાંપણ પરથી નહીં ખરેલાં આંસુ,
 
ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું,
મળે લ્હેરખી : હોઉં ભલે હું લૂ-ઝરતા મારગમાં ….
 
તરુણા પેઠે આવે કે હડસેલે,કોઈ ફેંકે
પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે
દશે ટેરવાં અડે ને પીડા છૂ થાતી પળભરમાં ….
 
ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે
કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે ?
સ્મરણ-સ્મરણ તે તીરથ : તારી એમ કરું પરકમ્મા ….
તને ઓળખું છું, મા !

કવિ પરિચય : મનોહર રતિલાલ ત્રિવેદી

ધૂળિયે મારગ  (ધોરણ – ૮, કાવ્ય – ૬)

કોણે કીધું ગરીબ છીએ ? કોણે કીધું રાંક ?
કાં ભૂલી જા મન રે ભોળા ! આપણા જુદા આંક.

થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું ? એમાં તે શી ખોટ ?

ઉપરવાળી બૅન્ક બેઠી છે આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ.

ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ,
સુખદુ:ખોની વારતા કે’તા બાથમાં ભીડી બાથ.

ખુલ્લાં ખેતર અડધેપડધે, માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ ?

સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત;
દોઢિયાં માટે દોડતાં એમાં જીવતાં જોને પ્રેત !

માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ !

કવિ પરિચય : મકરન્દ વજેશંકર દવે (ગુજરાતી સાહિત્ય પરિષદ)

કવિ પરિચય : મકરન્દ વજેશંકર દવે (ગુજરાતી પ્રતિભા પરિચય)

આભમાં ઝીણી ઝબૂકે વીજળી  (ધોરણ – ૮, કાવ્ય – ૮) ડાઉનલોડ કરો 

આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે
કે ઝીણા ઝરમર વરસે મેઘ
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !

ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે,
કે ભીંજાય હાથીનો બેસતલ સૂબો
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !

આભમાં ઝીણી….

ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે
કે ભીંજાય મેડીની બેસતલ રાણી
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !

આભમાં ઝીણી….

ભીંજાય બારી ને ભીંજાય બંગલા રે
કે ભીંજાય બારીનો બેસતલ સૂબો
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !

આભમાં ઝીણી….

ભીંજાય લીલી ઘોડી ને પીળો ચાબખો રે
ભીંજાય પાતળિયો અસવાર
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !

આભમાં ઝીણી….

તમને વા’લી દરબારી ચાકરી રે,
કે અમને વા’લો તમારો જીવ
ગુલાબી ! નહીં જાવા દઉં ચાકરી રે !

આભમાં ઝીણી….

આજની ઘડી રળિયામણી (ધોરણ – ૭, કાવ્ય – ૨) ડાઉનલોડ કરો

સખી, આજની ઘડી રળિયામણી;
મારો વહાલોજી આવ્યાની વધામણી જી રે. સખી …..

સખી, આલાલીલા વાંસ વઢાવીએ;
મારા વહાલાજીના મંડપ રચાવીએ જી રે. સખી …..

તરિયાતોરણ બારે બંધાવીએ;
મોતીડે ચોક પુરાવીએ જી રે. સખી…..

ગંગા જમુનાનાં નીર મંગાવીએ;
મારા વહાલાજીનાં  ચરણ પખાળીએ જી રે. સખી…..

સહુ સખીઓ મળીને આવીએ;
વહાલાજીનાં મંગળ ગવરાવીએ જી રે. સખી…..

પૂરો પૂરો સોહાગણ, સાથિયો;
ઘેર મલપતો આવે હરિ હાથિયો જી રે. સખી…..

અતિ મીઠડા થકી થાય મીઠડો;
મહેતા નરસૈયાનો  સ્વામી મેં દીઠડો જી રે. સખી…..

કવિ પરિચય : નરસિંહ મહેતા

રાનમાં  (ધોરણ – ૭, કાવ્ય – ૫)

ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં,
વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે  મેદાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.

ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઊતરશે ધોધમાર હેઠું,
ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું.
કાલ સુધી રહેતા’તા આપણે ને કાલથી તો વાછટો રહેશે મકાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.

આપણને થાય એવું વાદળને થાય, એવું ઝરણાંને થાય એવું ઘાસને,
આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી દડદડતાં ગામને.
તમને યે થાય ચાલ ટહુકો થઈ જાઉં અને ઝાડ તળે ગહેકું રે પાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.

કવિ પરિચય : ધ્રુવ પ્રબોધરાય ભટ્ટ

માલમ હલેસાં માર  (ધોરણ – ૭, કાવ્ય – ૮)  ડાઉનલોડ કરો

માલમ મોટાં હલેસાં તું માર,
મારે જાવું મધદરિયાની પાર
મેણું માર્યું છે મને ભાભલડીએ,
દે’ર આળહનો સરદાર;
 
હે… ભાઈ કમાય ને ભાઈ ઘોડલાં ખેલવે,
એનો બળ્યો અવતાર રે…માલમo
જાવું છે મારે જાવા બંદરે જ્યાં
લખમીનો નહિ પાર
 
હે… જાવે ગિયા કોઈ પાછા ન આવે,
આવે તો બેડલો પાર રે…માલમo
જાવું છે મારે સિંહલદ્વીપમાં
પરણવા પદમણી નાર;
 
હે… મોતીડે પોંખે જો ભાભલડી મારી
તો તો જીવવામાં સાર રે…માલમo
કેસરભીના તમે જીવો ભાભલડી મારાં
જીવો જીભલડીની ધાર;
 
હે… મેણા મારીને મારી મતિ સુધારી
ખોલ્યા તે મનના દ્વાર રે…માલમo
માલમ મોટાં હલેસાં તું માર,
મારે જાવું મધદરિયાની પાર
 
હિંદમાતાને સંબોધન (ધોરણ – ૬, કાવ્ય – ૨)
 
ઓ હિંદ ! દેવભૂમિ ! સંતાન સૌ તમારાં !
કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારાં !
હિંદુ અને મુસલમિન : વિશ્વાસી, પારસી, જિન :
દેવી ! સમાન રીતે સંતાન સૌ તમારાં !
 
પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી :
સેવા કરે બને તે સંતાન સૌ તમારાં !
 
રોગી અને નીરોગી, નિર્ધન અને તવંગર,
જ્ઞાની અને નિરક્ષર : સંતાન સૌ તમારાં !
 
વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરાં, કબીર, તુલસી,
અકબર, શિવાજી, માતા ! સંતાન સૌ તમારાં !
 
સૌની સમાન માતા, સૌએ સમાન તેથી :
ના ઉચ્ચનીચ કોઈ સંતાન સૌ તમારાં !
 
ચાહો બધાં પરસ્પર : સાહો બધાં પરસ્પર
એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારાં !
 
કવિ પરિચય :મણિશંકર રત્નજી ભટ્ટ (ગુજરાતી સાહિત્ય પરિષદ)
 
મહેનતની મોસમ (ધોરણ – ૬, કાવ્ય – ૫)

સોનાવરણી સીમ બની,
મેહુલિયે કીધી મ્હેર રે
ભાઇ ! મોસમ આવી મહેનતની.
 
નદીયુંના જલ નીતર્યાં
લોકોમાં લીલાલ્હેર રે ….  ભાઇ! મોસમ..લીલો કંચન બાજરો
ને ઊજળો દૂધ કપાસ  રે ….  ભાઇ! મોસમ..

જુવાર લોથે લૂમે ઝૂમે
ને હૈયામાં હુલ્લાસ રે ….  ભાઇ! મોસમ..

ઉપર ઊજળા આભમાં
કુંજડિયુંના કલ્લોલ રે ….  ભાઇ! મોસમ..

વાતા મીઠા વાયરા
ને લેતા મોલ હિલોળ રે ….  ભાઇ! મોસમ..

હો! લિયો પછેડી દાતરડાં,
આજ સીમ કરે છે સાદ રે ….  ભાઇ! મોસમ..

રંગે સંગે કામ કરીએ
થાય મલક આબાદ રે ….  ભાઇ! મોસમ..

લીંપી- ગૂંપી ખળાં કરો,
લાવો ઢગલે ઢગલા ધાન રે ….  ભાઇ! મોસમ.

રળનારો તે માનવી
ને દેનારો ભગવાન રે ….  ભાઇ! મોસમ

કવિ પરિચય : નાથાલાલ દવે (ગુજરાતી પ્રતિભા પરિચય)

પગલે -પગલે (ધોરણ – ૬, કાવ્ય – ૭)

પગલે પગલે સાવધ રહીને
પ્રેમળતા પ્રગટાવ્યે જા.
 
અંતરને અજવાળી વીરા
પંથ તારો કાપ્યે જા.
 
કાંટા આવે, કંકર આવે, ધોમ ધખન્તી  રેતી આવે;
ખાંડાની  ધારે ને ધારે, ધૈર્ય ધારી ચાલ્યો જા.
દુર્ગમ પંથ કાપ્યે જા.
 
હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના;
શિસ્ત, શાંતિ ને સેવાનો તું, પાઠ સૌને આપ્યે જા.
દુર્ગમ પંથ કાપ્યે જા.
 
કવિ પરિચય : સંતબાલ
મારો પરિચય

Message Generators
રેડીયો સાંભળો
Discovery Channle
This Day In Histor
Dictionary
All University

Copyright MyCorp © 2024
Make a free website with uCoz